પક્ષીઓની એંટીંગ પ્રક્રિયા

જમીન સરસા પાંખો ફેલાવીને બેઠા હોય એવી મુદ્રામાં પક્ષીઓને તમે જોયા જ હશે. સવાલ થાય કે થાકીને ભોંય પર પથરાયા હશે? આળસ મરડતાં હશે? કે રમત કરતાં હશે? જવાબ કંઇક અલગ છે. કારણ જાણીને આ નાનકડા જીવો અને કુદરતની યુક્તિઓ પ્રત્યે અહોભાવ ઉપજશે.

તો જેમ પક્ષીસૃષ્ટિના જાણકારો જાણતા જ હશે તેમ આ ક્રિયાને એંટીંગ કહેવાય છે. એન્ટ એટલે કીડી. હવે એંટીંગ શું છે અને કેમ? ચાલો જાણીએ.

પક્ષીઓને માત્ર માણસ જ હેરાન કરતો હોય છે એવું નથી :P :P અમુક
ઝીણી જીવાતો અને પરોપજીવીઓ પક્ષીઓના પીંછા અને પાંખોમાં ભરાઈ રહીને લોહી ચૂસ્યા કરતા હોય છે, ક્યારેક બીમારી પણ નોતરે. વિચારો કે ખંજવાળ આવતી હોય ને ખંજવાળી ન શકો તો કેવી અકળામણ થાય! અને ઉપરથી મહામુલું લોહી પણ ગુમાવતું રહેવું કેમ પોષાય. તો આ સમસ્યાનો ઉપાય પક્ષીઓ કઈ રીતે કરે છે?

ઉત્ક્રાંતિનું અવિરત ચક્ર દરેક જીવને ટકી રહેવાની તરકીબો શીખવાડી દેતું હોય છે. અને પક્ષીઓ તો હોય છે જ સ્માર્ટ. એ એવી જગ્યાએ જઈને પાંખો ફેલાવી જમીન પર પથરાઈ જાય છે કે જ્યાં કીડીઓની વસાહત હોય. કીડીઓને તો કોઈ છંછેડે એટલે સીધું કરડવાનું નક્કી જ હોય. કીડીઓ આ આગંતુક પક્ષીઓની પાંખો અને પીંછા પર ચડી જાય છે અને જ્યાં-ત્યાં ચટકવા લાગે છે. હવે કીડીમંકોડાઓ પાસે કુદરતી ફોર્મિક એસીડ હોય છે, જેને ચટકે એના શરીરમાં આ ફોર્મિક એસીડ છોડે. અને આ ફોર્મિક એસીડ કીટનાશક, જીવાતનાશક રસાયણ છે. એ પક્ષીઓના લોહીમાં ભળે એટલે પેલી લોહી ચૂસતી પરોપજીવી જીવાતોનો ખેલ ખતમ. છે ને કમાલ!

કીડીઓનું શસ્ત્ર પોતાના બચાવ માટે વાપરવું એ કળા પક્ષીઓએ શીખેલી છે. અમુક પક્ષીઓ એંટીંગ પ્રક્રિયા



બાદ ચોંટી રહેલી કીડીઓને ખાઈ જતા હોય છે. "ગરજ સરી એટલે વૈદ વેરી" :P

(તસવીર સૌજન્ય : google)

Comments

  1. આ નવાઈની વાત છે કે આજે જ બપોરે ખેતરના રસ્તા પર 2 પક્ષીઓ આ રીતે એંટિંગ કરતા મને જોવા મળ્યા હતા. દુઃખની વાત એ છે કે હું અજાણતા તેમનાથી દુરી ના જાળવી શક્યો ઍટલે તેઓ ઉડીને ઝાડ પર બેસી ગયા.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

વન વગડાની વનસ્પતિ :- વિકળો

ગળજીભી (ભોંય પાથરી)

કુવાડિયો છોડનો પરિચય