આયુર્વેદને સ્વીકારો સ્વસ્થ રહો
મહામારીનું કામ અંદર ઘૂસી જવું વત્તા બહાર લેતા જવું
આપણું ના આવો ના આવજો સાથે બારણે સાબદા થવું
બુઝારો
-----
સાભાર ~~
#અભિયાન #ચર્નિંગઘાટ #Abhiyan
આપણું ના આવો ના આવજો સાથે બારણે સાબદા થવું
ફરી એકવાર ધૂળના કણથી સૂક્ષ્મ દુશ્મન ત્રાટક્યા છે. ૨૦૧૯ નોવેલ કોરોના નામના વાઇરસ ચીનથી માનવ ભક્ષણ શરૂ કરીને આગળ વધી રહ્યા છે. સમગ્ર વિશ્વ ભયભીત છે કે ભયમાં છે એવું ક્યાંક કોઈને ખરેખર લાગતું હશે. રોગનું એપિસેન્ટર ચીનનું વુહાન શહેર છે, વાસ્તવમાં વુહાનની એક સરકારી પ્રયોગશાળા છે. વાઇરસ અંગે સંશોધન કરવા જ્યારે આ અત્યાધુનિક ફેસિલિટીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં ત્યારે અમુક વિજ્ઞાનીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે આ ફેસિલિટી ખુદ રાક્ષસી સમસ્યા સર્જી શકે છે. ચીનની નંબર વન બનવાની હઠને ધ્યાનમાં રાખીને ઘણાંએ શંકા સેવેલી કે ચીન સંશોધનના નામે કશું પણ કરી શકે છે. છતાં વુહાન ખાતેની ફેસિલિટી રંગેચંગે કામ કરતી રહી. ચીનમાં મીડિયા કેવળ સરકારના કે સામ્યવાદી પક્ષના ચોર ખીસામાં ગુપ્ત રહેતી આંગળીઓ નચાવે એમ નાચે છે તેથી આ નવીન રોગની અસરથી લઈને મૃત્યુ સુધીના સાચા સમાચાર આપણને મળે એ ખ્યાલ બિનવૈજ્ઞાનિક છે એ સ્વીકારવું રહ્યું.
વિશ્વના ઘણાં સંશોધનકારોની ધારણા અનુસાર ૨૦૧૯ નોવેલ કોરોના વાઇરસ 'ને તેના થકી થતાં રોગના મૂળમાં બે કારણ હોઈ શકે છે. સૌથી પહેલાં વિજ્ઞાનીઓએ થિયરી આપેલી કે કોરોના વાઇરસ ચામાચીડિયાથી સાપમાં 'ને અંતે માનવીમાં પ્રસર્યા. મેડિકલ વાઇરોલોજિની જર્નલમાં જણાવવામાં આવેલું કે આ વાયરસ સાપમાંથી માનવીમાં પ્રવેશી શકે છે. વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટીએ ૨૩ જાન્યુઆરીએ કીધું કે ચીનમાં પ્રાણીઓના બેરોકટોક ચાલતાં વેપારને કારણે વાઇરસને મોકો મળી શકે. ચીનમાં ખાવા માટે વપરાતાં જીવંત પ્રાણીઓના બજારમાં ઘણાં પ્રકારની બેદરકારી રાખવામાં આવે છે એ વિશ્વ જાણે છે. વુહાનના કે અન્ય ચીની બજારમાં વેચનાર 'ને ખરીદનાર બંને હેલ્થ 'ને હાઇજિન અંગે પોતાના ઘરના સ્ટાન્ડર્ડ મુજબ ચાલે છે. આ રોગચાળાને લીધે વિશ્વમાં ભણેલા 'ને નાસ્તિક લોકો પણ આઘાત પામ્યા છે કે ચીના ચામાચીડિયાં ખાય છે. એવામાં વિજ્ઞાનીઓને એ નથી ખબર કે ચામાચીડિયાંને તળવાની પ્રક્રિયામાં ક્યારે આ વાઇરસ માનવીમાં સક્રિય થવા લાયક બને છે.
બીજી ધારણા માત્ર વિચાર કે ચિંતા કરવા પૂરતી જ કામની છે, કારણ કે એ ધારણા પર વ્યવહારમાં કોઈ ઠોસ કામગીરી થાય એવું અનુભવે લાગતું નથી. ૨૦૧૭માં ચીને જ્યારે વિશ્વના સૌથી તાકાતવર વાઇરસ 'ને પેથોજન્સનો અભ્યાસ કરવા વુહાન નેશનલ બાયોસેફ્ટિ લેબોરેટરીની સ્થાપના કરી ત્યારે અમેરિકાની રટગર્સ યુનિવર્સિટીના મોલેક્યૂલર બાયોલોજિસ્ટ રિચાર્ડ બ્રાઇટે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે આ લેબોરેટરીમાં એકથી વધુ રીતે ખોટું થઈ શકે છે. એ સિવાય એમણે ટેકનિકલ મુદ્દા સાથે ઘણી લાંબી ટિપ્પણી કરેલી. ૨૦૦૩-૪માં સિવિઅર એક્યૂટ રેસ્પિરેટરિ સિંડ્રમ ઉર્ફે સાર્સ નામક રોગે ૮૦૦૦થી વધુ માનવીઓને ભરડામાં લીધાં હતાં એ કદાચ આપને યાદ હશે. ત્યારે 'ને આજે પણ ઘણાં વિજ્ઞાનીઓ સાર્સના વાઇરસ આ વુહાન નેશનલ બાયોસેફ્ટિ લેબોરેટરીમાંથી લીક થયાં હોવાનું માને છે.
અહીં સમજવાનું એ પણ છે કે સાર્સના વાઇરસ અને આ નવીન રોગના વાઇરસ એ મૂળ કોરોના વાઇરસની જ બે અલગ પેટાજાત છે. તદુપરાંત નવો વાઇરસ ચીને તેમની પોતાની લઘુમતી જેમને એ દુશ્મન ગણીને કેમ્પસમાં યાતના આપે છે તે મુસ્લિમ વિઘરની વસ્તી જ્યાં વધુ છે ત્યાં પહોંચી ગયો છે. વોશિંગ્ટન ટાઇમ્સમાં પત્રકાર બિલ ગર્ટઝ લખે છે કે ચીનના કોવર્ટ બાયોવોરફેર પ્રોગ્રામના ભાગ રૂપે આ કોરોના વાઇરસ જન્મ્યો હોય તેવું શક્ય છે. બિલ એફબીઆઇ, સિઆઇએ 'ને નેશનલ ડિફેન્સ યુનિ જેવી સંસ્થાઓમાં લેકચર આપવા જાય છે. તેમણે ઈઝરાયેલના એક્સ મિલિટરી ઇન્ટેલિજન્સ ઓફિસર 'ને સીનિયર બાયોલોજિકલ વોરફેર એનાલિસ્ટ એવા ડેની શોહમને ટાંકે છે. ડેની મેડિકલ માઇક્રોબાયોલોજિમાં ડોક્ટરેટ ધરાવે છે. ડેની કહે છે એવું પણ શક્ય છે કે વાયરસ ફેસિલિટીમાંથી લીક થયો હોય કે પછી લેબોરેટરીમાં કામ કરનાર કોઈ શખ્સને આ વાઇરસનું ઇન્ફેકશન હોય 'ને કોઈના ધ્યાનમાં ના આવ્યું હોય. પરંતુ, એવા કોઈ પુરાવા કે સૂચક ચિહ્ન આ ઘટનાને લઈને મળ્યા નથી જેથી ઘટના પાછળ એવાં સામાન્ય કારણ હોય તેવું માની શકાય. એનિવેઝ, આપણે તો વાયરસ છે એટલું નિશ્ચિત જાણીએ.
૧૮૯૨માં રશિયન વનસ્પતિશાસ્ત્રી દિમિત્રી આઇવનોવ્સ્કીએ વિશ્વને જણાવ્યું હતું કે બેક્ટેરિયા ના હોય તેવા પેથોજન્સ તમાકુના છોડમાં રોગ પેદા કરી રહ્યા છે. ૧૮૯૮માં ડચ વિજ્ઞાની માર્ટિનસ બાઇજેરિંક એ દિશામાં આગળ વધીને ટોબેકો મોઝેઇક વાઇરસ શોધે છે. વિજ્ઞાન 'ને વ્યવહારની મિલી ભગત જુઓ, બાઇજેરિંક એ પછી 'ને પહેલાં નોંધપાત્ર પ્રદાન કરતાં રહેલાં છતાં એમને નોબલ પ્રાઇઝ ના આપવામાં આવ્યું. બેશક એમની ગણના વાઇરોલોજિ 'ને એન્વાયરમેન્ટલ માઇક્રોબાયોલોજિનો પાયો નાખનારમાં થાય છે. હશે. એ પછી તો વાઇરસની ૫૦૦૦ જાતિ શોધાઈ છે, ભલે વાઇરસના પ્રકાર લાખોમાં હશે. વારુ, વાઇરસ પોતાના બળભૂતા પર કશું જ નથી. ઇન્ફેકશન ફેલાવવા માટે બંધારણીય રીતે સક્ષમ વાઇરસ કેવળ કોઈ જીવંત કોષની અંદર જ સંખ્યાની દ્રષ્ટિએ વૃદ્ધિ પામી શકે છે 'ને અન્ય જીવને રોગગ્રસ્ત કરવા સક્રિય થઈ શકે છે. વાઇરસ વનસ્પતિ, પશુ, પક્ષી કે બેક્ટેરિયા કે એક કોષીય જીવને ઇન્ફેકટ કરી શકે છે યાને રોગગ્રસ્ત કરી શકે છે.
સંસ્કૃતમાં રોગ માટે માંદ્ય શબ્દ છે જેના પરથી ગુજરાતીમાં માંદગી શબ્દ આવ્યો. વિકૃતિ, વિકાર 'ને વ્યાધિ. ભય, દોષ 'ને આતંક રોગના સમાનાર્થી છે. રોગ એટલે મૃત્યુભૃત્ય અર્થાત મૃત્યુનો નોકર. મેડિકલ સાયન્સ મુજબ રોગ એક એવી ચોક્કસ અસામાન્ય સ્થિતિ છે જે જીવના કોઈ ભાગ કે સમગ્ર જીવને અર્થાત જીવના બધાં જ ભાગના બંધારણ કે નિયોજિત કાર્ય પર નકારાત્મક અસર કરે છે અને તે સ્થિતિ કોઈ બાહ્ય ઈજાની તત્કાલીન અસરના કારણે પેદા થયેલી નથી હોતી. પ્રત્યેક રોગના નિશ્ચિત લક્ષણ 'ને સંકેત હોય છે. રોગ બહારથી પેથોજન્સના ઇન્ફેકશન થકી કે અંદરથી કોઈ અપક્રિયાને કારણે સર્જાય છે. દાખલા તરીકે રોગ મુક્ત રહેવા કે રોગનો પ્રતિકાર કરવાની બંધારણીય વ્યવસ્થા યાને ઇમ્યૂન સિસ્ટમની ભીતરી અપક્રિયાને કારણે વિવિધ રોગ જન્મે છે. ઇમ્યૂનિટી અહીં માસ્ટર કી સમાન શબ્દ છે.
ઇન્ફેકશન એટલે સંક્રમણ, સંસર્ગ કે સંચાર. ઇન્ફેકશનથી થયેલા રોગને સંગદોષ કહેવાય. વિજ્ઞાન અને સાહિત્ય વચ્ચે અનોખો સંબંધ છે. વિજ્ઞાનમાં સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે કોઈ એક બાબતની વ્યાખ્યામાં વપરાયેલી બીજી બાબતની પોતાની વ્યાખ્યામાં પાછી પેલી પહેલી બાબતનો આધાર હોય. જેમ વાઇરસ, રોગ 'ને ઇન્ફેકશન એકમેક સાથે જોડાયેલા છે તેમ તેમની વ્યાખ્યાઓ પણ એકબીજા પર આધારિત છે. ઇન્ફેકશન એટલે જીવના શરીર પર રોગ પેદા કરનાર પેથોજન્સ દ્વારા થયેલું આક્રમણ 'ને તેનું પરિણામ. જીવ એટલે કે રોગના સંદર્ભમાં યજમાન પોતાની ઇમ્યૂન સિસ્ટમ ઉર્ફે ઇમ્યૂનિટી વડે રોગ સામે લડે છે. સસ્તન જીવ ઇન્ફેકશન સામે લડે ત્યારે પ્રાથમિક રીતે અંદરથી અમુક સામાન્ય પ્રતિક્રિયા આપે છે જેમ કે સોજા આવવા 'ને તે પછી પોતાનો યથોચિત પ્રત્યુત્તર વાળે છે. ઇન્ફેકશનનો ઉપચાર કરવા નિશ્ચિત દવાઓ વપરાય છે જેમાં એન્ટિબાયોટિક વગેરે હોય છે.
વાયરસથી ઇન્ફેકશન થાય, ઇન્ફેકશનથી રોગ 'ને રોગથી મૃત્યુ પણ થાય. આ આખી સ્ટોરીલાઇનમાં બે ચીજ ગેમ ચેન્જર છે. દવા 'ને ઇમ્યૂન સિસ્ટમ. એક તરફ એવાં માનવીઓ છે જેમને ઇન્ફેકશન નથી લાગતું 'ને એક તરફ એવાં ઇન્ફેકશન છે 'ને આવશે જેની દવા નથી. ૧૯૧૮માં જ્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ અંત તરફ જતું હતું ત્યારે એક રહસ્યમય રોગ ફેલાવા માંડેલો. ૧૯૨૦ સુધીમાં એ રોગને કારણે વિશ્વની કુલ વસ્તીના ચોથા ભાગના માનવીઓ એ રોગના ઇન્ફેકશનનો શિકાર બનેલા. સ્પેનિશ ફ્લૂ નામના એ રોગના ઇન્ફેકશનથી અંદાજે દસ કરોડ માનવી મોતને ભેટયા હતાં. પ્રથમ 'ને દ્વિતીય વિશ્વ યુદ્ધના પરિણામે આશરે સાતથી આઠ કરોડ માનવી મૃત્યુ પામેલા. બે વિશ્વ યુદ્ધે જેટલાં માનવી મારી નાખ્યા તેથી વધારે માનવી વીસમી સદીના સૌથી મોટા હત્યારા સ્પેનિશ ફ્લૂએ મારી નાખ્યા છે. ઇબોલા, ઝિકા, ડેન્ગ્યૂ, ઇનફલૂએન્ઝા યાને સ્વાઇન ફ્લૂ, કોરોના વાઇરસથી થતાં મિડલ ઈસ્ટ રેસ્પિરેટરિ સિંડ્રમ 'ને સાર્સ જેવાં તથા અન્ય ચેપી રોગ ક્યારે શું કરશે તે વિજ્ઞાન કે જ્યોતિષ કહી શકે તેમ નથી.
વિજ્ઞાનીઓની રિસર્ચ કહે છે કે અમેરિકામાં દર વર્ષે કમ સે કમ ૨૮ લાખ એન્ટિબાયોટિક-રેઝિસ્ટન્ટ એટલે કે જેના પર કોઈ એન્ટિબાયોટિકની અસર ના થાય તેવાં ઇન્ફેકશનના યાને ઇન્ફેકટેડ પેશન્ટસના કેસ બને છે અને તેમાંથી કમ સે કમ ૩૫૦૦૦ માનવી મૃત્યુ પામે છે. અમરીકાની વસ્તી ૩૨થી ૩૩ કરોડ અને અમેરિકામાં વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલ્સ આવેલી છે. વળી, આ આંકડા જે કેસનું તારણ કાઢવા સુધી સંશોધન થયું હોય 'ને ચોપડે નોંધાયેલા હોય ફક્ત તે માનવીઓની રજૂઆત કરે છે. વેલ, જે રોગની એન્ટિબાયોટિક શોધાઈ જ ના હોય તે રોગ થાય એટલે મરી જ જવાય એવી સીધી 'ને સરળ વાત નથી. ફોકસ એ માનવીઓ પર આપવું જોઈએ જેમને ઇન્ફેકશન નથી થતું. જંગ એ માનવીઓ જીત્યા કહેવાય જેમની ઇમ્યૂન સિસ્ટમ જીતી શકી. અલબત્ત, તેમાંથી ઘણાંને અમુકતમુક દવા મદદગાર નીવડી હોય તેવું શક્ય છે. પરંતુ, તેવાં કિસ્સામાં પણ ઇમ્યૂન સિસ્ટમ સલામની અધિકારી છે.
સિઝન રોગની હોય છે તેથી વધુ દવાની હોય છે 'ને એથી વિશેષ કહીએ તો ડોક્ટર્સની હોય છે. વિશ્વમાં જ્યાં જ્યાં ઋતુ બદલાય છે ત્યાં બધે જ સમર-ડિસીઝ, વિન્ટર-ડિસીઝ 'ને મોન્સૂન-ડિસીઝ કે સ્પ્રિંગ 'ને ફોલ એવાં ટેગ સાથેના રોગના ભાગલા ચલણમાં છે. વિદેશમાં સિઝનલ અફેક્ટિવ ડિસોર્ડર નામક મનોરોગ સુધ્ધાં છે. અનુભવ સિવાયના કારણો થકી પણ અમુક સિઝન શરૂ થાય એટલે અમુક રોગ થશે તેવું ડોક્ટર્સ ગંભીરતાથી માનતા હોય છે. વિજ્ઞાન એ કક્ષાએ નથી પહોંચ્યું કે જન્મ થાય ત્યારથી જાતકની તંદુરસ્તી સામે શું પ્રશ્ન થશે તે અંગે રિપોર્ટ આપી શકે. ભારતીય જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મેલી બાલિકાને ગર્ભાશયના ઇસ્યૂ થઈ શકે, શતભિષા નક્ષત્રમાં જન્મેલાને શક્યત: ઘૂંટણ યા એડીનો કે જડબાનો પ્રોબ્લેમ થઈ શકે 'ને અનુરાધા નક્ષત્રમાં જન્મ્યા હોય તો કિડની રિલેટેડ રોગ થઈ શકે. આવી સાવ જનરલ ભવિષ્યવાણી સિવાય માનવીની જન્મપત્રી પરથી પણ જ્યોતિષ ભવિષ્યમાં કયો રોગ ક્યારે થઈ શકે તે ભાખતાં હોય છે.
વિશ્વના અન્ય જ્યોતિષશાસ્ત્રોમાં હેલ્થ અંગેની એમની પોતાની ગણતરીઓ છે જ. કિન્તુ, શું આ વિજ્ઞાન વિરોધી વાતો ના કહેવાય? અંધશ્રદ્ધા ના કહેવાય? એકવીસમી સદીમાં પબ્લિશ થયેલી "ઇન્ટ્રોડકશન ટુ મેડિકલ એસ્ટ્રોલોજિ"માં ૧૮૦૦ આસપાસના જર્મન ફિઝિશ્યન 'ને ૧૯૦૦ આસપાસના રશિયન ફિઝિઓલોજિસ્ટ જેવા કંઈક પ્રોફેશ્નલ્સના અવલોકનની વાતો છે. આવી એકથી વધુ બુક્સ છે. બુક તો ઠીક, રિસર્ચનું શું? વર્ષો પહેલાં કોલંબિયા યુનિના મેડીકલ વિભાગના મેરી, નિકોલસ ઇત્યાદિએ ૧.૭૫ મિલ્યન દર્દીઓના રેકોર્ડનું વિશ્લેષણ કરેલું. ૧૬૮૮ પ્રકારની ઇલનેસમાંથી ૫૫ રોગ એવા તારવ્યા જેને બર્થ-મન્થ જોડે સંબંધ હોય. આવાં એકથી વધુ સંશોધન થયાં છે. સ્પેનમાં ૩૦૦૦૦ જેવા લોકો 'ને ૨૭ ક્રોનિક ડિસીઝ વચ્ચે જન્મ સમયની ઋતુને લઈને રિલેશનશિપ કાઢવામાં આવી. ખેર, આવા જ્યોતિષશાસ્ત્રને સ્પર્શ્યા વિનાના સાયન્સના સંશોધનના ટેબલ્સ 'ને તારણ આપણે ના માનવા હોય તો કશો વાંધો નહીં. પણ, અન્ય એક કે વધુ રીત વડે વિવિધ માનવીઓની ઇમ્યૂન સિસ્ટમના ડેટાનો અભ્યાસ કરવો ઘટે.
ઇમ્યૂનિટી બહારના પારકાં જીવો અને અંદરના પોતાના જીવ વચ્ચેની સુરક્ષા કવચ સાથેની આપણી પોતાની અનન્ય સરહદ છે. વિજ્ઞાન અથવા વિજ્ઞાનને કામમાં લેનારાએ રોગ 'ને દવા પર કામકાજ કરવું જ જોઈએ, પણ હવે ઇમ્યૂનિટી પર તાબડતોબ મેગા મિશન શરૂ કરવાનો સમય પાકી ગયો છે. દર્દીને નીરોગી કરવાં સાથે એટલી કે વધુ મહેનત અરોગી માનવીને વધુ સ્વસ્થ 'ને તાકાતવર કરવા પર કામ કરવું પડે. ડોક્ટર એટલે હેલ્થ પ્રોફેશ્નલ, નહીં કે ડિઝીઝ પ્રોફેશ્નલ. આજે કેટલાંય લોકો પોતાની રીતે કસરત કરે છે કે સારું પોષણ મળે એવું જાતે ખાય પીવે છે. મેડિકલ સાયન્સ જવાબદારી સાથે તેમાં કેટલું યોગદાન આપશે એ મહત્વનું છે. ઇમ્યૂનિટી સાયન્સ કે ન્યુટ્રિશન સાયન્સ શા માટે વિશેષજ્ઞ કે મર્યાદિત પ્રોફેશ્નલના હવાલે જ રાખવાનું? આજે આપણે ઇમ્યૂનિટી વધારવી હોય તો શું કરવું જોઈએ એ પ્રશ્ન લઈને કોની પાસે જઈશું? દરેક ડોક્ટર એ મુદ્દે સજ્જ થવા જોઈએ. વળી મેડિકલ સાયન્સ છે, મેડિકલ ફિલોસોફી નથી. સાયન્સ તેને જ કહેવાય જે પરફેક્ટ હોય. પાણી એકઝેટ તાપમાને ઊકળે એટલે ઊકળે જ. ઇમ્યૂનિટી કેવી રીતે વધે એ અંગે જવાબદારીથી નિશ્ચિત થવું જ પડે.
ચિકિત્સા, સામર્થ્ય 'ને સ્વાસ્થ્ય માટે આદિ કાળથી માનવી એક કે બીજી રીત શોધતો 'ને અપનાવતો રહ્યો છે, અત: મેડિકલ સાયન્સનો જન્મ ક્યારે થયો તે કહેવું અશક્ય છે. હા, એલોપથી કે અલોપથી શબ્દ ૧૮૧૦માં જર્મન ફિઝિશ્યન સેમ્યુઅલ હિનામને આપેલો. યાદ રાખવા જેવી નક્કર વાસ્તવિકતા એ છે કે રોગના ફરજિયાત 'ને પ્રત્યક્ષ સંદર્ભ વગર હેલ્થ 'ને ફિટનેસ સુધારવા પર અલોપથી ખૂબ ઓછું ધ્યાન આપે છે. સામે પક્ષે અલોપથી જેને વૈકલ્પિક 'ને પૂરક મેડિસિન કહે છે તે ભારતીય, ચીની, આફ્રિકન 'ને અમેરિકન આદિવાસીઓની પ્રાચીન પદ્ધતિમાં માનવી સક્ષમ થઈને રોગથી દૂર રહે તે પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. અને સાઇડ-ઇફેક્ટનું શું? આજે જે દવા સત્તાવાનોએ મંજૂર કરી હોય છે તે પરમ દિવસે પ્રતિબંધિત દવાના લિસ્ટમાં આવી જાય છે તેનું શું? કોઈ યોગ્ય ભોજન ગ્રહણ કરતો, નિર્વ્યસની 'ને શુદ્ધ વાતાવરણમાં રહેતો માનવી ડોક્ટરને પૂછે કે ફેફસાં કેવી રીતે વધુ મજબૂત કે વધુ તંદુરસ્ત કરવાં તો ડોક્ટર ધર્મ 'ને પક્ષના કુંઠિત ભેદભાવથી મુક્ત થઈને કાયદેસર કહી શકવો જોઈએ કે આ તે કસરત સિવાય પ્રાણાયામ કરો તો સારું.
ઇમ્યૂનિટી વધારવા શું ખાવું જોઈએ એ સર્ચ કરો તો અલોપથી આધારિત દસ કે વીસ આઇટમ મળશે 'ને એમાં અડધાથી વધુ તો આપણે ખાતા હોઈએ એ જ હશે. જ્યારે એકલાં ચ્યવનપ્રાશમાં પચ્ચીસથી એંશી વનસ્પતિ વપરાય છે. દેશી ભૂકી કે દાતણ છોડીને સફેદ ટૂથપેસ્ટ ઘસવાના નુકસાન આપણે ભોગવ્યા 'ને હવે એમને હર્બલ પેસ્ટ વેચવાનું સૂઝ્યું. આપણે પેઢીઓથી જમ્યા પછી અમૃત એવી છાસ પીધી, હવે એ લોકો બ્રાન્ડેડ 'ને કોસ્ટલી પ્રોબાયોટિક ડ્રિંક વેચે ત્યારે તે સાચું ગણવાનું? એમને હળદરમાં કરક્યૂમિન જડે ત્યારે જ હળદર કામની થાય? ગોરાઓ ઓરેન્જની ખેતી મોટા પાયે કરે એટલે આંબળામાં ઓરેન્જ કરતાં ખૂબ વધુ તાકાત હોવાં છતાં આપણે આંબળા છોડીને ઓરેન્જ ખાવાની? જર્મની જેવાં દેશ આયુર્વેદને વર્ષોથી આવકારી શક્યા, પરંતુ અબજો ડોલર્સની એલપથીના ગુલામ એવાં ઘણાં મુખ્ય દેશો આયુર્વેદને મહેમાન તરીકે પણ સ્વીકારી ના શક્યા.
બેશક મોર્ડન મેડિસિને આપણને કલ્પના બહારનું આપ્યું છે, જેમ કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ. છતાં જે ભૂલો થઈ હોય તે સુધારવી રહી 'ને ક્ષતિઓ ફૂર કરવી રહી. માંસાહારી માનવીઓની માંસ ખાવાની આદતને વિજ્ઞાને પોષણ આપ્યું છે તો માંસ થકી જે રોગ પ્રગટે 'ને ફેલાય તેની જવાબદારી વિજ્ઞાને લેવી જોઈએ. આસન 'ને પ્રાણાયામ જેવી શરીર સમર્થ બનાવતી પદ્ધતિઓ સિવાય ભારત 'ને અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ પાસેથી આહાર-વિહાર અંગે આધુનિક વિજ્ઞાન ઘણું શીખી શકે છે. જમ્યા પછી ડાબા પડખે થોડી વાર સૂવું કે જમયા પછી તરત પાણી ના પીવું જેવી ઘણી બાબતો આયુર્વેદમાં આવકારવા જેવી છે. આયુર્વેદમાં ઇમ્યૂનિટી વધારવાના મામલાને વ્યાધિક્ષમત્વ કહે છે. વ્યાધિ આવે તો શરીર તેની સામે બારણું બંધ કરી શકે તેવું શક્તિશાળી હોવું જોઈએ, માત્ર રોગ થાય ત્યારે રોગ દૂર કરવો એ સાચું એવમ પૂર્ણ આરોગ્ય નથી. સામાન્ય ભારતીય રસોડાના રોજના મસાલા કેવળ સ્વાદ માટે નથી હોતાં એ બીજા નહીં તો ત્રીજા ભારતીયને ભાન છે. રસોડાના મસાલાથી સામાન્ય વ્યાધિથી આબાદ બચી જતાં લોકોના અનુભવ ખોટા નથી.
કોઈ કહે છે ૧૮૬૬માં તો કોઈ કહે છે ૧૯૧૩માં પહેલી વાર "એન એપલ એ ડે, કિપ્સ ધ ડોક્ટર અવે" ઉક્તિ આવેલી. લોકો જાણે છે એ ઉક્તિમાં એવો કોઈ દમ નથી. એ જમાનામાં વરસમાં એક વાર ડોક્ટરને મળવાના કારણ હતાં તેના કરતાં આજે વધારે છે. આપણે ત્યાં બે સમય રોટલો, શાક, ખીચડી 'ને દૂધ જમી શકનાર માનવીના આંખ, દાંત 'ને ઘૂંટણ છેક સુધી બરાબર કામ કરતાં હતાં તેવું ગામડા સાથે સંબંધ રાખનારને માલૂમ છે. એપલ કયા રસાયણની કઈ અસર લઈને શરીરમાં આવશે એ અંગે કોઈ આપણને કશું નથી કહેતું. સ્ત્રીઓના હોર્મોન ઇસ્ટ્રોજન 'ને ફળ વચ્ચે વિજ્ઞાને ગાઢ નાતો બાંધી આપ્યો છે તેની ઉપરછલ્લી માહિતી પણ જૂજ લોકોને હશે. વિજ્ઞાન જ જ્યારે અવનવા કેમિકલ્સથી જન્મેલા 'ને મોટા થયેલાં ફળ, શાકભાજી 'ને અનાજ ખવડાવે ત્યારે આ કે તે ખાવાથી ઇમ્યૂનિટી વધે એ દાવાની પોકળતા કરતાં કેમિકલ્સથી શરીરમાં ડોક્ટરના ભણવામાં ના આવ્યા હોય તેવાં પણ લોચા સર્જાઈ શકે છે એ સંદેહ પર વિશ્વાસ મૂકવો સારો.
ગયા વરસ કરતાં આ વરસે વધુ લોકો વધુ હાઇજેનિક થયાં છે, પણ સાથે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઘટી છે એ જાણવું, સમજવું 'ને સ્વીકારવું રહ્યું. ઘણી વાર બહારનું પાણી પીતા હતાં 'ને ઘણી વાર આરઓ યા મિનરલ વોટર ના વપરાયું હોય તેવી પાણીપુરી ખાતાં હતાં ત્યારે મોટા ભાગનાની ઇમ્યૂનિટી બહેતર હતી. વેસ્ટના રવાડે ચઢીને વેસ્ટનું પ્રિઝર્વેટિવ જેવું ઘણું વેસ્ટ અપનાવવાથી આપણે આપણું સાચું ગુમાવ્યું 'ને અમુક અંશે આપણી હેલ્થ જોખમમાં મૂકી છે. ફ્રિજ માપમાં રાખવાને બદલે હવે ફ્રોઝન ફૂડ પર ચઢીએ છીએ. દેશી અથાણાંને ગાળો દઈને અહીંની ગરમીમાં વિનેગારમાં તરબતર ઓલિવ 'ને હેલાપેન્યો ખાવામાં બુદ્ધિ ફૂંકવાનો નશો કરીએ છીએ. ભારતીય આબોહવા મુજબ મેદાની ઇલાકામાં શિયાળા કે ચોમાસામાં જમ્યા પહેલાં સૂપ પીવાય, બાકી એસિડનો ઓવરફ્લો થાય જે શરીરને નડે એ આપણને બહારના લોકો નહીં શિખવાડે. આપણે જાતે આપણાં જાણીતા કે પારકા તંદુરસ્ત વડીલો પાસેથી ઘણું શીખવું પડે.
પ્રદૂષણ, ધંધાદારી ફૂડ 'ને મૂડીવાદના પ્રેશર નીચે ધ્રૂજતું જીવન બદલવું અઘરું છે. એક નહીં તો બીજા વાઇરસ આપણી આસપાસ છે 'ને રહેવાના જ છે. સંભાવના ભારોભાર છે કે નાનું કે મોટું ઇન્ફેકશન આજે નહીં તો કાલે આપણને હેરાન કરશે 'ને શક્યત: આપણે નીરોગીમાંથી રોગી થઈશું. ભવિષ્યમાં જાણીતો કે અજાણ્યો રોગચાળો ક્યાંક ફાટી નીકળશે એવી શંકા નહીં ખાતરી રાખવામાં કોમન 'ને અનકોમન બંને સેન્સ છે. ચીને ભૂતકાળમાં ખોટા ધંધા કર્યા છે કે પછી ભવિષ્યમાં કરશે એ અંગેની ચર્ચાનો અંતે આપણી સ્વસ્થતા સાધવા માટે ખાસ કોઈ અર્થ નથી સરતો. ઇમ્યૂન સિસ્ટમ મજબૂત કરવાં પશ્ચિમમાંથી મેડિકલ સાયન્સ વાઇરલ ઇન્ફેકશનની સ્પીડમાં આગળ વધવા ના મથે તો આપણાં વિજ્ઞાની 'ને ડોક્ટર સમાજે હરણફાળ ભરવી પડશે. આમ પણ ઇમ્યૂન સિસ્ટમની જરૂરિયાત ઘણે અંશે સ્થળ મુજબ બદલાય છે. સો વાતની એક વાત કે રોગ સામે અગમચેતી રાખવી એ રોગીની સારવાર કરવા સુધી પહોંચવા કરતાં ઉત્તમતર છે.
બુઝારો
આયુર્વેદમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા સદવૃત્તનો આગ્રહ રાખ્યો છે. સદવૃત્ત હિતાયુ 'ને સુખાયુ આપે. આચાર્ય વાગ્ભટ્ટના કથન અનુસાર સદવૃત્ત એટલે તમામ જીવ પરત્વે અનુકંપા રાખવી, વિવેકથી મન સાથે વાણી તેમ જ શરીરને કાબૂમાં રાખવા 'ને અન્યની સંવેદનાને પોતાની સંવેદના ગણીને તે મુજબ વર્તવું.
#અભિયાન #ચર્નિંગઘાટ #Abhiyan

Comments
Post a Comment